ઉત્રાણ વિસ્તારમાં પ્રગતિ આઈટી પાર્ક નજીકની ઘટના

પતિએ પત્નીના વાળ ખેંચીને ઢીકા-મુક્કીનો માર માર્યો

અણબનાવના કારણે પતિ-પત્ની 2019થી રહે છે અલગ

ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ

પત્નીને જાહેરમાં માર મારનાર પતિની ધરપકડ કરાય

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં પોતાની પત્નીને જાહેરમાં માર મારનાર પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ઉત્રાણ-મોટા વરાછા રોડ પર આવેલ પ્રગતિ આઈટી પાર્ક નજીક ગત તા. 11 જુલાઈના રોજ ઉત્રાણ વિસ્તારમાં પોતાની પત્નીને જાહેરમાં માર મારનાર પતિ પ્રવિણ ગોળકીયાની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાની કારમાંથી ઉતરીને અલગ રહેતી પત્નીના વાળ ખેંચી, ગાળો આપી અને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. પીડિતા હિરલબેન અને આરોપી પ્રવિણ ગોળકીયાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પરંતુ, અણબનાવના કારણે તેઓ 2019થી અલગ રહે છે, અને ફેમિલી કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે. જોકે, હુમલા સમયે આરોપીની કારમાં તેની પ્રેમિકા પણ હાજર હતી, અને તેણે પણ ભોગ બનનાર મહિલા પર હુમલો કરી ઝાપટો મારી હતી. આ સમગ્ર ઘટના જાહેર માર્ગ પર બની હતી, અને તેના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પીડિતાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે આરોપી પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ પ્રવિણ ગોળકીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.