Connect Gujarat
સુરત 

સતત બીજા દિવસે પણ ‘બિપરજોય’ વાવાઝોડાની દિશા યથાવત્, પોર્ટ સહિતના વિભાગો વધુ સાબદા થયા...

X

બિપરજૉય વાવાઝોડું આગામી 12 કલાકમાં અતિ તીવ્ર બનશે

હાલમાં વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાશે તેવી શક્યતા ઓછી

કંડલા સહિતના બંદરે એલર્ટ, કચ્છ-સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની


અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજૉય વાવાઝોડું આગામી 12 કલાકમાં અતિ તીવ્ર બનશે તેવું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. જોકે, હાલના તબક્કે વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાશે તેવી શક્યતા ઓછી છે. વાવાઝોડાની અત્યારની ગતિ અને દિશા મુજબ તે કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજૉય વાવાઝોડાના કારણે આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એ પછી 13-14 જૂન દરમિયાન તેની તીવ્રતા વધીને 50-70 કિમી પ્રતિ કલાકની થશે. પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. વાવાઝોડું પોરબંદરથી 300 કિમી અને કચ્છના નલિયાથી 200 કિમી દૂરથી પસાર થવાની સંભાવના છે, ત્યારે કટોકટીની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના સાયક્લોન સેન્ટર ખાતે 25 જવાનો સાથે NDRFની ટીમ પહોંચી ચૂકી છે. ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડે કાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો નહીં ખેડવા જણાવ્યું છે. તો બીજી તરફ, અમરેલીના જાફરાબાદના દરિયો ગાંડોતુર બનતા તંત્ર એલર્ટ થયું છે. દરિયા કાંઠે પહોંચેલા લોકોને ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મીઓએ દરિયાથી દૂર કર્યા હતા. દરિયાના ઉછળતા વિશાળ મોજાઓ સામે સ્થાનિકોને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ અનુમાન અનુસાર વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાવાની શક્યતા ઓછી છે. હાલ વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. પણ આગામી 24 કલાકમાં તેની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ થઈ શકે છે. જોકે, 13મીની રાત્રે કે, 14ની સવારે બિપરજૉય વાવાઝોડું લેન્ડફોલ કરી શકે તેમ છે.

Next Story