સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીને મોંઢા પર પ્લાસ્ટીકની થેલી બાંધેલી તેમજ હાથ અને પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. આથી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી યુવતીની આેળખ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બિનવારસી મૃતદેહ મળી આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લો ગુનેગારો માટે રેઢુ પડ બની ગયો હોય તેમ ફરી એકવાર હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામા યુવતીનો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા લીંબડી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સ્થાનિકો અને તરવૈયાની મદદથી યુવતીનો મૃતદેહને બહાર કાઢતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે યુવતીના મોંઢાના ભાગે પ્લાસ્ટિકની થેલી તેમજ યુવતીના હાથ પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. તેમજ મૃતદેહને કુવામાં ડુબાડવા માટે યુવતીની લાશ સાથે રેતી ભરેલી થેલી પણ બાંધેલી જોવા મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દીધી હોવાનું જણાય આવતુ હતુ. આથી પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમાટે રાજકોટ મોકલી આપ્યો હતો. હત્યારાઆેએ યુવતીની કોઇ પણ જાતની આેળખ મળે તેવા પુરાવા પણ રહેવા દીધા નથી તેમજ પાણીમાં મૃતદેહ કોહવાઇ જવાના કારણે પણ પોલીસ માટે યુવતીની આેળખ મેળવવી એક પડકાર બની ગયો છે. ત્યારે લીંબડી ડીવાયએસપી દ્વારા સુરેન્દ્રનગર ક્રાઇમબ્રાંન્ચ, એસઆેજી અને લીંબડી પોલીસ સહીતની પોલીસની અલગ અલગ ટીમો બનાવી યુવતીની આેળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે લાશનો ભેદ ક્યારે ઉકેલાશે તે જોવુ રહ્યું.
