ભાગીદાર દ્વારા કરોડોની છેતરપિંડીનો મામલો
પોલીસે છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો
પોલીસે આરોપીને કાયદાકીય ભાષા સમજાવી
13 ડમ્પર, ફોર્ચ્યુનર અને હિટાચી પરત અપાવ્યા
રૂ.5 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કરાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામેથી એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિશ્વાસઘાત કરનાર ભાગીદાર સામે પોલીસે કડક કાર્યવાહી કરીને અરજદારને રૂપિયા 5 કરોડ 14 લાખના વાહનો પરત અપાવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ઉમરડા ગામના અરજદાર કાનાભાઇ તરકટાએ સામાવાળા શખ્સ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. આ દરમિયાન કાનાભાઇના નામે લોન પર 13 ડમ્પર, 1 હિટાચી મશીન અને 1 ફોર્ચ્યુનર કાર સહિતના મોંઘા વાહનો ખરીદવામાં આવ્યા હતા. પરંતુ, દગાબાજ ભાગીદારે આ તમામ વાહનો અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધા હતા અને લોનના હપ્તા ભરવાનુ બંધ કરી દીધું હતું.
આ મામલે અરજદારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ મામલાની ગંભીરતા જોઈ અંગત રસ દાખવ્યો અને આરોપીને પોલીસ સ્ટેશને બોલાવીને કાયદાકીય ભાષા સમજાવી હતી.
પોલીસની કડક કાર્યવાહીના કારણે અરજદારને તેમના તમામ વાહનો સહિત રૂપિયા 5 કરોડ 14 લાખનો મુદ્દામાલ હેમખેમ પરત મળી ગયો છે. ન્યાય મળતા અરજદાર કાનાભાઇએ સુરેન્દ્રનગર પોલીસ અને એસપી પ્રેમસુખ ડેલુનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
