અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું
12માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે નગર સેવા સદન દ્વારા મંત્રી ઇશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 12મા તબક્કાના ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો હેતુ નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો અને પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી તથા ન્યાયિક ઉકેલ લાવવાનો તેમજ વિવિધ સરકારી લોકઉપયોગી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, સેવાઓ અને નગરપાલિકા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
‘છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે’ તે હેતુ સાથે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર રાજન વસાવા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ અંડાદીયા, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેમજ વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
