ભરૂચ શહેરના નારાયણ નગર-2 વિસ્તારમાં ઘરની બહાર આવેલી ગેસ લાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ લીકેજ દરમિયાન કેટલાક બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા ગેસના સંપર્કમાં આવતા આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે ગેસ લાઇનની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે.