દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 2થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાતા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી હોવાથી વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 7થી 17 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને પગલે સતત બીજા દિવસે જિલ્લાની તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપી છે.
વલસાડ જિલ્લામાં 15થી 35 ઇંચ સુધીનો અતિભારે વરસાદ વરસતા જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર અને જિલ્લાના તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજાની જાહેરાત કરી છે. સાથે જ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
સંઘપ્રદેશ દમણમાં પણ આશરે 10 ઇંચ વરસાદને કારણે પ્રશાસને સરકારી અને ખાનગી શાળા-કોલેજો તેમજ આંગણવાડીઓને આજે બંધ રાખવાનો આદેશ કર્યો છે. જિલ્લા પ્રશાસને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.
