ઉખરલા-માળનાથ જાત માર્ગ પરની ચકચારી ઘટના

ઝાડીઓમાંથી યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો

યુવકના મૃતદેહ નજીકથી એક બાઈક પણ મળી આવ્યું

ભાઈએ કહ્યું : પૈસાની ઉઘરાણી માટે ગયા હતા ભાઈ

હત્યાની આશંકા સાથે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ

ભાવનગરના ઉખરલા-માળનાથ માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી એક યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી 29 વર્ષીય મુન્નાભાઈ હિમતભાઈ ડાભીનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી બાઈક પણ મળી આવ્યું છે. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

યુવાનનંદ મોત અકસ્માતે થયું છે કે, અન્ય કોઈ કારણસર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે મૃતકના ભાઈએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માગ કરી છે.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાવનગરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિંગનું કામ કરતો હતો. ગતરાત્રે મુન્નાભાઈ પૈસાની ઉઘરાણી બાબતે ઘરેથી બહાર ગયા હતા, જે દરમિયાન આ ઘટના બની હોવાનું માનવું છે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા હોવાની શંકા વ્યક્ત કરવા સાથે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી મૃતકના ભાઈએ માગ કરી છે.