તાઉતે વાવાઝોડાએ ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓમાં વીજપોલ તથા વૃક્ષોને ધરાશાયી કરી દીધાં છે ત્યારે અનેક ગામડાઓમાં 12 દિવસ બાદ પણ અંધારપટ છવાયેલો છે
ભાવનગર જિલ્લામાંથી પસાર થયેલાં તાઉતે વાવાઝોડાએ અનેક સ્થળોએ વિનાશ વેર્યો છે. વીજપોલની સાથે ટ્રાન્સફોર્મર ધરાશાયી થઇ ગયાં હોવાથી વીજ પુરવઠો ડુલ થઇ ગયો છે. વાવાઝોડુ શમી ગયું છે પણ અનેક ગામડાઓમાં 12 દિવસ ઉપરાંતથી વીજપુરવઠો ખોરવાયેલો છે. વીજપુરવઠો રાબેતા મુજબ કરવા વીજકંપનીની ટીમો યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. વીજળી વિના પિયત થઇ શકતી ન હોવાથી ખેતરોમાં બચેલો પાક પણ બળી જાય તેવી સ્થિતિમાં આવી ગયો છે. વહેલી તકે વીજપુરવઠો આપવામાં આવે તેવી જગતનો તાત માંગણી કરી રહયો છે. હાલ મોટા ભાગના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાય ગામડાંઓમાં વીજપોલનું રીપેરીંગ પૂર્ણ કરી શકાયું નથી. તાઉતે વાવાઝોડા દરમિયાન ફુંકાયેલા ભારે પવનોએ ખેતરોમાં પાકનો દાટ વાળી દીધો છે ત્યારે હવે વીજળી નહિ મળતાં ખેડુતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.