અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફિકજામની સમસ્યા હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે.
ભારે વાહનવ્યવહાર અને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક-ટેન્કરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે.ટ્રાફિકજામને કારણે મુસાફરો તેમજ દૈનિક આવન-જાવન કરતા લોકો ત્રાસી ઉઠ્યા છે. અંકલેશ્વર–દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામકાજ માટે જતા કામદારોનો કિંમતી સમય બગડે છે. સુરત તરફ આવતા-જતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો તથા વાહનચાલકોની માંગ છે કે હાઇવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી મુસાફરોને રાહત મળે.