ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત કર્મ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ‘વિશ્વ જડીબુટ્ટી દિવસ’ નિમિત્તે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ-ભરૂચ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી કોમ્યુનિટી કોર્પ્સ-ભરૂચના પ્રમુખ સ્મિતા સોનીના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ જડીબુટ્ટી દિવસ’ નિમિત્તે ઝઘડિયા સ્થિત કર્મ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ અને જડીબુટ્ટી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અંદાજે 500 ઔષધીય તથા અન્ય છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના આ સેવાકીય પ્રોજેક્ટને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. આ પ્રોજેક્ટમાં ચેરમેન રસ્મિન નાણાવટી તથા ડિરેક્ટર રાજેન્દ્ર બકરેએ સક્રિય સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ-ભરૂચના ડૉ. શરદ કોઠારી, દક્ષા કોઠારી, સેક્રેટરી સુનય સોનાવાળા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
