ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ

New Update
ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ

અમદાવાદથી કેવડિયા વચ્ચે તા. 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે 2 જતા અને 2 આવતા એમ 4 ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી 2 દિવસ માટે સી-પ્લેનને મેઇન્ટેનન્સ હેઠળ રાખવામાં આવ્યું છે.

ગત મંગળવારના રોજ પહેલીવાર રિવરફ્રન્ટથી કેવડિયા જવા માટે સી-પ્લેનનું બુકિંગ ફુલ થઈ ગયું હતું. જોકે રિટર્ન ફ્લાઈટમાં 3થી 4 સીટ ખાલી હતી. હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી આગામી દિવસોમાં આ સીટો પણ ભરાઈ જશે. હાલમાં સી-પ્લેનને ઓપરેટ કરનાર 3 પાઈલટ આવ્યા છે અને તેમની સાથે એક જ એટેન્ડેન્ટ છે, જેમના ફ્લાઈટના કલાકો પૂરા થઈ ગયા છે, ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ તેમને રેસ્ટ આપવો જરૂરી છે. જોકે આગામી દિવસોમાં વધુ એક પાઈલટ અને એક એટેન્ડેન્ટ આવી જશે, ત્યારે 2-2 પાઇલટની સાથે 1-1 એટેન્ડેન્ટની ટીમ રહેશે. જેના કારણે એકસાથે 2 દિવસ માટે ફ્લાઈટનું સંચાલન બંધ નહીં થાય. જોકે સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી 2 દિવસ માટે સી-પ્લેનના મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આ સેવાને લોકો માટે બંધ રાખવામાં આવી છે.

જોકે રાજ્યમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદ રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી 1થી 3 નવેમ્બર દરમ્યાન 3 દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં કેવડિયાથી 6 પેસેન્જર, જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી. બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ, જેમાં જતા 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા, ત્યારે ત્રીજા દિવસે શિડ્યૂલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં અમદાવાદથી જતાં ફુલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા, જ્યારે રિટર્નમાં બન્ને ફ્લાઈટમાં 11થી વધુ પેસેન્જરે મુસાફરીનો લાભ લીધો હતો. જોકે હવે સી-પ્લેનનું મેઇન્ટેનન્સ કાર્ય પૂર્ણ થયા બાદ આ સેવાનો લાભ લોકો લઈ શકશે.

Latest Stories