ભરૂચના વાગરા પંથકનો બનાવ

વરસાદી કાંસમાં સર્જાઈ દુર્ઘટના

2 યુવાનોના ડૂબી જતાં મોત

એક યુવાનનો આબાદ બચાવ

પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચના વાગરાના અંભેલ ગામે વરસાદી પાણીની કાંસમાં ડૂબી જતા બે યુવાનોના મોત નિપજ્યા હતા જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો

ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં બે યુવાનો ડૂબી જવાની દુર્ઘટના સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની એક ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે 4થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન હાથ ધરી બંને યુવાનોના મૃતદેહોને કાંસમાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાસ્થળે ભરૂચના પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર, ફાયર ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહી બચાવ અને કાર્યવાહી પર નજર રાખી હતી.આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 21 વર્ષીય  મહંમદ ઇલિયાસ પટેલ અને 22 વર્ષીય તબહેજ મુબારક પટેલનો સમાવેશ થાય છે.

બંને મૃતદેહોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનો બચાવ થયો હતો.યુવાનો કાંસમાં નહાવા ગયા હતા એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.ઘટનાને પગલે અંભેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.