આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.
મળતી માહિતી મુજબ, શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ પુત્રીઓ શૌચક્રિયા અર્થે ખડઉ સીમ વિસ્તારમાં આવેલા તળાવ તરફ ગઈ હતી. ત્રણેય દીકરીઓ લાંબો સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તથા અન્ય વિસ્તારોમાં શોધાશોધ શરૂ કરી હતી. આશરે બે કલાક સુધી ચાલેલી ભારે અફરાતફરી બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી. જેના આધારે પરિવારજનોએ તળાવમાં તપાસ લંબાવી હતી.
બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક એક તરવૈયા યુવકે તાત્કાલિક તળાવના ઊંડા પાણીમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. થોડા સમયની મહેનત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ દુર્ભાગ્યે ત્રણેય માસૂમ બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે આસપાસના ગ્રામજનોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.
ખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોત
