Connect Gujarat
Featured

વડોદરા: ગુજરાતી-ઉર્દુના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું અવસાન, આજે સવારે લીધા અંતિમ શ્વાસ

વડોદરા: ગુજરાતી-ઉર્દુના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું અવસાન, આજે સવારે લીધા અંતિમ શ્વાસ
X

'અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં, અબ મૈં રાશન કી કતારોં મે નજર આતા હૂ' લખનારા કવિ ખલિલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે.

ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો. હાલ તેઓ વડોદરાના રહેતા હતા. તેઑ થોડા સમયથી બીમાર હતા અને આજે શ્વાસ લેવામાં સવારે તકલીફ ઉભી થયા બાદ તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા.

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવી શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા હતા અને એમને એ યાદ રહી જતી હતી અને એ યાદના સહારે જ તેઓ ગઝલ પાઠ મિત્રોને સંભળાવતા હતા. આ શક્તિ મોટી ઉંમરે મુશાયરાઓમાં પણ કાયમ રહી હતી. પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે 100થી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી અને ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાઈ છે.

ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલનું ટોચનું નામ છે. ગઝલ લેખન અને રજૂઆત બન્નેમાં તેમણે મહારથ હાંસલ કરી છે. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા છે. ફિલ્મો લખી છે અને નિર્દેશિત પણ કરી છે. તેમની વિવિધ કૃતિઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ છે. કરોડો ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું છે. આ પુસ્તક તેમની જીવનકથા છે. તેમાં ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની રોમાંચક ગાથા છે.

ખલીલ ધનતેજવીનું વતન અને જન્મ સ્થળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ધનતેજ ગામ. પોતાના ગામના નામ પરથી તેમણે અટક રાખી ધનતેજવી. તેમના દાદા તાજમહમદે તેમનું નામ ‘ખલીલ’ પાડેલું. ‘ખલીલ’નો અર્થ મિત્ર. તેમના પિતા ઈસ્માઈલ મૌલવી પાસે ગયા અને દાદાએ સૂચવેલું ‘ખલીલ’ નામ કહ્યું. મૌલવી સાહેબને એકલું ખલીલ અધુરું લાગ્યું અને તેમણે ખલીલની આગળ ઈબ્રાહીમ જોડવાનું કહ્યું. એ પછી તેમનું નામ પડ્યું ઈબ્રાહીમ ખલીલ.

ખલીલ ધનતેજવીનું બાળપણ (આમ તો આખું જીવન) ખુબ જ મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ વચ્ચે વીત્યું છે. તેઓ પાંચ વર્ષના હતા અને મહારાષ્ટ્રના નંદુરબાર ફોઈ-ફૂઆને ધંધામાં મદદ કરવા ગયેલા તેમના પિતાજીનું શીતળા નીકળતાં અવસાન થયું હતું.

Next Story