રાજયમાં કોરોના વાયરસના કારણે લોકોના ટપોટપ મોત થઇ રહયાં છે તેવામાં પાદરામાં લગ્નપ્રસંગમાં અભિનેત્રી મમતા સોનીએ ઠુમકા લગાવતાં લોકો ઝુમી ઉઠયાં હતાં. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતાં પાદરા પોલીસે પાર્ટીપ્લોટ ખાતે પહોંચી જઇ લગ્નના આયોજક તથા માસ્ક નહિ પહેરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજયમાં એક તરફ કોરોના વાયરસ બેકાબુ બન્યો છે અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર વિવિધ પગલાંઓ ભરી રહી છે. લગ્નપ્રસંગોમાં વધારે લોકો ભેગા નહિ કરવાની સરકારની કડક સુચના હોવા છતાં પાદરાના ડભાસા રોડ પર આવેલાં એક પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગે અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ નાઇટ પણ રાખવામાં આવી હતી. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠુમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. અને કજરા..રે…કજરા…રે..ગીત ઉપર અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા.
પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત સુધી ચાલેલી આ મ્યુઝિકલ પાર્ટી અંગેની જાણ પાદરા પોલીસને થતાં પી.એસ.આઇ પી.ડી. જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને તાત્કાલિક મ્યુઝિકલ પાર્ટી બંધ કરાવી દીધી હતી. મ્યુઝિકલ પાર્ટીમાં પોલીસ ત્રાટકતાની સાથે જ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ વસૂલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.