શહેર-જીલ્લામાં ખાડી પૂરના કારણે સર્જાય ગંભીર પરિસ્થિતી

સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોડી આવ્યા

શહેરમાં ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે રૂ. 500 કરોડ ફાળવાયા

ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવા મુખ્યમંત્રીનો આદેશ

પૂર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બચશે નહીં

સુરત શહેર તથા જીલ્લામાં ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજી ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવા આદેશ કર્યો હતો.

સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો, પણ 2 દિવસમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર-ધંધા અને વાહનમાલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 3 દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા.

સુરત સર્કિટ હાઉસ ખાતે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે રૂ. 500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે.

આ બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે, મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે 2 કલાક સુધી ચાલેલી મેરેથોન મિંટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની તદ્દન વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.

પ્રજાની હાલાકી સાંભળીને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, નાણાં મંત્રી કનુ દેસાઇ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિત તમામ વિભાગોના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.