અબુધાબીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ મંદિર 1 માર્ચથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે આ મંદિરમાં એક દિવસમાં લગભગ 40,000 ભક્તો દર્શન માટે આવે છે.તસવીરોમાં પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. અબુ ધાબીમાં આ પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે.
અબુ ધાબીનું હિન્દુ મંદિર 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે 27 એકર વિસ્તારમાં અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી છે.અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.