દક્ષિણ અમેરિકન દેશ ચિલીના જંગલોમાં આગ લાગવાથી 99 લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા છે. ઇમરજન્સી સેવા વિભાગ હેલિકોપ્ટર અને ટ્રકની મદદથી શહેરી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલપરાઇસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા
દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગે શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. સળગી ગયેલી કાર રસ્તા પર જોવા મળે છે.