Connect Gujarat
દુનિયા

અમેરિકામાં આણંદના ગુજરાતી યુવાને નાના-નાની અને મામાને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યા

બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો

અમેરિકામાં આણંદના ગુજરાતી યુવાને નાના-નાની અને મામાને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યા
X

અમેરિકામાં ગુજરાતી યુવાને તેના સગા મામા, નાના-નાનીની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક દોડી ગયેલી ન્યૂજર્સી પોલીસે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, દિલીપ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પુત્રી રિંકુના લગ્ન વિદેશમાં થયા હતા, અને તેણે પુત્ર ઓમને જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં રિંકુના છૂટાછેડા થયા હતા. રિંકુ ભારત પરત આવી ગઈ હતી. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો. દિલીપભાઇ અને તેમના પત્ની અમેરિકામાં પુત્ર યશ પાસે આવતા-જતા રહેતા હતા, જ્યારે પોતાના ભાણેજ ઓમને અમેરિકામાં સેટ કરવા માટે મામા યશ તેને સાથે લઇ ગયા હતા.

ત્રણ હત્યા કરનાર ઓમ બ્રહ્મભટ્ટ:-


આ દરમિયાન ઓમ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જ્યારે ભાણેજ ઓમે પોઇન્ટ બ્લેન્કથી ગન વડે મામા, નાના-નાનીને ગોળી ધરબી હત્યા કરી દીધી હતી. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી, અને હત્યારા ઓમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની કરુણતા એ છે કે, યશ પરિણીત હતો અને તેને 4 વર્ષનો પુત્ર પણ છે.

જોકે, બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો. જેમાં નિવૃત્ત પીઆઈ દિલીપ બ્રહ્મભટ્ટ, પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટ હતા. આ ત્રણેય ન્યૂજર્સીના મિડસસેક્સ કાઉન્ટીમાં રહેતા હતા. યશ બ્રહ્મભટ્ટને થયું કે, તેનો ભાણેજ ઓમ બ્રહ્મભટ્ટ પણ અમેરિકા સેટલ થઈ શકશે, એટલે તે તેને પણ સાથે લઈ ગયો હતો.

તો બીજી તરફ, આણંદથી ચાલતા આવતા કૌટુંબિક ડખા અમેરિકામાં પણ ચાલુ રહ્યા હતા. રોજેરોજના ઝઘડામાં 23 વર્ષીય ઓમ બ્રહ્મભટ્ટે ઉશ્કેરાઈને તેના મામા યશ, તેના નાના દિલીપ બ્રહ્મભટ્ટ અને નાની બિન્દુ બ્રહ્મભટ્ટની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેવામાં 3 લોકોની હત્યા કરનાર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂજર્સી પોલીસે ધરપકડ કરી હતી.

Next Story