ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE આવ્યા છે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું.
મંદિરનું નિર્માણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતની ઝલક જોવા મળશે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે.