પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી. કેટલાક લોકોએ મતદાનની સામગ્રી છીનવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉમેદવારો અને મતદારો દ્વારા કરવામાં આવ્યા હતા. લોકોની આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે 8મી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે દેશમાં હજુ મતગણતરી ચાલી રહી છે તેવા સમયે પુન: મતદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિયો ન્યૂઝના સમાચાર મુજબ, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ 15 ફેબ્રુઆરીએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની જાહેરાત કરી છે. જે મતદાન મથકો પર પુન: મતદાન કરવામાં આવશે તેના નામ નીચે મુજબ છે-
NA-88 ખુશાબ-II (પંજાબ)
વોટિંગ દરમિયાન અહીં ઉપદ્રવી તત્વોએ મતદાન સામગ્રી સળગાવવાનો પ્રયાસ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. હવે મામલો શાંત પડતાં 26 મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે.
પીએસ-18 ઘોટકી-1 (સિંધ)
8 ફેબ્રુઆરીએ અહીં વોટિંગ દરમિયાન કેટલાક લોકોએ વોટિંગ સામગ્રી છીનવી લીધી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ચૂંટણી પંચે 2 મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.
PK-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા)
ચૂંટણી દરમિયાન કેટલાક આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યા બાદ, ECPએ ઉપરોક્ત મતવિસ્તારના 25 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ બાબતો વચ્ચે, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ પ્રાદેશિક ચૂંટણી કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ NA-242 કરાચી કેમારી-1 (સિંધ)માં 1 મતદાન મથક પર તોડફોડની ફરિયાદ મળ્યા બાદ 3 દિવસમાં તપાસ અહેવાલ સુપરત કરે.