/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-256.jpg)
ગુજરાતમાં છ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહયાં હતાં તો બે પક્ષપલટુ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ નકારી કાઢતાં તેમને હારનો સામનો કરવો પડયો હતો.
ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો ગુરૂવારે જાહેર થયાં હતાં. આ પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહયાં હતાં. ભાજપે કોંગ્રેસમાંથી આવેલાં અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી ટીકીટ આપી હતી. ગુરૂવારે જાહેર થયેલા પરિણામોમાં બંને પક્ષ પલટુઓનો પરાજય થયો છે. છ વિધાનસભાના પરિણામો પર નજર રાખવામાં આવે તો થરાદમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત, ખેરાલુમાં ભાજપના અજમલસિંહ ઠાકોર, લુણવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવક, અમરાઇવાડીમાં ભાજપના જગદીશ પટેલ, બાયડમાં કોંગ્રેસના જશુભાઇ પટેલ રાધનપુરમાં કોંગ્રેસના રઘુભાઇ દેસાઇનો વિજય થયો છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ધાર્યા કરતાં વિપરીત આવ્યાં છે. રાજયની તમામ 6 બેઠકો જીતવાની ભાજપની ગણતરી ઉંધી પાડી દીધી છે. ખેરાલુ, થરાદ અને બાયડ વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણે મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપે અલ્પેશ અને ધવલસિંહને ટીકીટ આપતાની સાથે ભાજપના કાર્યકરોમાં પેરાશુટ નેતાઓ સામે નારાજગી જોવા મળી હતી અને નારાજગી આજે જાહેર થયેલા પરિણામોમાં જોવા મળી છે. બીજી તરફ કોંગ્રેસે કોઇ પણ જાતના વિખવાદ વિના મેદાનમાં ઉતારેલા ઉમેદવારોને મતદારોએ વધાવી લીધાં છે. થરાદ, બાયડ અને રાધનપુર બેઠક પર કોંગ્રેસ જયારે લુણાવાડા, ખેરાલુ અને અમરાઇવાડી બેઠક પર ભાજપનો વિજય થયો છે. ગત ચૂંટણીમાં આ છ પૈકી ભાજપ પાસે ચાર બેઠક હતી જેમાંથી તેમણે થરાદ બેઠક ગુમાવી દીધી છે.