/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-24.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસની કપાતની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી નહીં આપાતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. એટલું જ નહીં ટીડીએસના નવા નિયમોને લઇને રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વિરોધનો વંટોળ સર્જાયો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં પણ માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે મોડાસા માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના તમામ માર્કેટયાર્ડએ મંગળવાર-બુધવાર એમ બે દિવસ હડતાલ પર ઉતારી વિરોધ નોંધાવ્યો છે. જેમાં પ્રથમ દિવસે મોડાસા માર્કેટયાર્ડમાં હડતાળમાં કેટલાક વેપારીઓ ન જોડાતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડમાં વેપારીઓ રાબેતા મુજબ દુકાનો શરૂ કરી વેપાર ચાલુ રાખ્યો હતો.મોડાસા એપીએમસીના વાઈસ ચેરમેન રાકેશ પટેલનું કહેવું છે કે, એક કરોડના ટ્રાન્જેક્શન પર બે ટકા ટીડીએસ છે, તે વધારીને રકમ ત્રણથી ચાર કરોડ કરવામાં આવે અથવા તો સરકાર આ મામલે ફેર વિચારણા કરવી જોઇએ. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે, આના કારણે નાના વેપારીઓ તેમજ નાના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.