કેવડીયામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ
ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની
ટીકીટ ઓનલાઇન કરી દેવાતાં પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહયો છે. સ્ટેચ્યુ ખાતે આવેલી
ટીકીટ બારી પરથી માત્ર 120 અને 150 રૂપિયાવાળી ટીકીટનું વેચાણ થઇ રહયું છે.
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 24 લાખથી વધારે પ્રવાસીઓ મુલાકાત લઇ ચુકયાં છે. દિવાળી
વેકેશનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના સરેરાશ 30 હજાર પ્રવાસીઓ આવી રહયાં છે. કેવડીયા કોલોની ખાતે
આવેલી પીઆર કચેરી પાસે ટીકીટ વિન્ડો બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા
માટે 120,150 અને 380 રૂપિયાના દરની ટીકીટ રાખવામાં આવી છે. 380 રૂપિયાની ટીકીટમાં સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વ્યુ
ગેલેરી જોઇ શકાય છે. હાલમાં સરદાર પટેલ એકતા ટ્રસ્ટ તરફથી 380 રૂપિયાની ટીકીટ ઓનલાઇન કરી દેવામાં આવી છે. ટીકીટ
વિન્ડો ખાતેથી 380 રૂપિયાની
ટીકીટ આપવાનું બંધ કરાતાં પ્રવાસીઓમાં કચવાટ જોવા મળી રહયો છે. 380 રૂપિયાના દરની ઓછામાં ઓછી 50 ટકા ટીકીટ ઓફલાઇન રાખવાની પ્રવાસીઓ માંગ કરી રહયાં
છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ મોટાભાગના પ્રોજેકટ અધુરા હોવાથી તેને
વહેલી તકે પુરા કરાઇ તેવી લાગણી પણ પ્રવાસીઓએ વ્યકત કરી છે.