/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-69.jpg)
સાંપ્રત સમયમાં યુવાવર્ગ ઇન્ટરનેટ ગેમિંગના રવાડે ચઢી ગયો છે ત્યારે રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓનલાઇન પોકર ગેમમાં 75 લાખ રૂપિયાનું દેવુ થઇ જતાં યુવાને કુવામાં કુદી આપઘાત કરી લીધો છે.
કહેવત છે કે, હાર્યો જુગારી બમણું રમે...આવું જ કંઇક રાજકોટમાં પણ સામે આવ્યું છે. ઓન લાઇન જુગારની લતમાં એક યુવક લાખો રૂપીયા હારી જતા તેને આપઘાત કરવાની ફરજ પડી હતી. સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાની વાત કરીએ તો, શહેરનાં મોટામવા નજીક આવેલા ધ કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ મહેતા બુધવારે રાત્રે પત્ની અને બાળકને નવરાત્રીનાં ગરબા જોવા લઇ ગયા હતા. ત્યારબાદ ઘરે પત્ની અને પુત્રને મુકીને નિકળી ગયા હતાં.મોડી રાત્રે ઘરે પરત ન આવતા પરીજનોએ શોધખોળ શરૂ કરી હતી. ગુરૂવારના રોજ તેનાં ઘર પાસે આવેલી અંબિકા ટાઉનશીપનાં કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરતાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તેઓ પોકર બાઝી નામની ઓનલાઇન ગેમ રમતા હતાં જેમાં તેઓ આશરે 75 લાખ કરતા વધુની રકમ હારી જતા દેવું વધી ગયું હતું. જેથી તેને અંતિમ પગલું ભર્યું છે. મિત્રો અને પરીજનોનો કાંઇ જ વાંક ન હોવાથી હેરાન કરતા નહિં તેમ પણ તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી એફએસએલ રીપોર્ટ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
મૃતકનાં ભાઇએ કહ્યું હતું કે, આ પ્રકારની ઓનલાઇન ગેમ રમતા લોકોને ગેમ ન રમવા અને સરકારને આ પ્રકારની ગેમ પર પ્રતિબંધ લગાવવાની વિનંતી કરી હતી.