રાજકોટ SOGએ ૧.૬૯ કરોડની જૂની નોટ સાથે બે શખ્સોની કરી ધરપકડ

New Update
રાજકોટ SOGએ ૧.૬૯ કરોડની જૂની નોટ સાથે બે શખ્સોની કરી ધરપકડ

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધને દોઢ વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ જૂની નોટોનો જથ્થો તબક્કાવાર મળી રહ્યો છે. રાજકોટના શાસ્ત્રી મેદાન પાસેથી ૧.૬૯ કરોડની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ સાથે બે શખ્સોને SOGપોલીસે ધરપકડ કરી છે. આ જૂની નોટનો જથ્થો તેમની પાસે ક્યાંથી આવ્યો અને કોને આપાવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

નવેમ્બર ૨૦૧૬માં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો કેન્દ્ર સરકારે રદ કરી દીધી હોવા છતાં તેને સંગ્રહી રાખી રૂ.૧.૬૯,૨૭,૫૦૦ની રદ થયેલી નોટ બદલવા આવેલા જૂનાગઢના બેંક કર્મચારી અને રાજકોટના શખ્સને રાજકોટ એસઓજીએ દબોચી લીધા હતા.

જૂનાગઢમાં વંથલી રોડ પર મધુરમ ટીંબાવાડીમાં રહેતા કમલ મુકેશ ભટ્ટ અને રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા અશોક પ્રેમજી છાંયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના પીઆઇ ગડ્ડુ, પીએસઆઇ સિસોદિયા, પીએસઆઇ હિતેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, જયંતીભાઇ ગોહેલ, ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, ગિરિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.

બંને શખ્સો પાસેથી પોલીસે રદ થયેલી રૂ.૧૦૦૦ની કુલ ૭૧૮૫ નોટ તથા રૂ.૫૦૦ની ૧૯૪૮૫ નોટો કબજે કરી હતી.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જોઇન્ટ પોલીસ કમિશનર દીપક ભટ્ટે જણાવ્યું હતું કે, બંને શખ્સો એસ.ટી.બસમાં બસ સ્ટેશનમાં ઉતર્યા તે સાથે જ ચોક્કસ હકીકત પરથી એસઓજીની ટીમે તેને ઝડપી લીધા હતા અને તલાશી લેતા તેના કબજાના થેલામાંથી રદ થયેલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. કમલ ભટ્ટ જૂનાગઢના મોતીબાગમાં આવેલી એચડીએફસીની બ્રાંચમાં નોકરી કરે છે, જ્યારે રાજકોટનો અશોક છાંયા તેનો મિત્ર છે.અશોક સુથારીકામ કરે છે. રદ થયેલી કરોડો રૂપિયાની નોટો બદલાવી દેવાની અશોકે ખાતરી આપતા જૂનાગઢનો બેંક કર્મચારી કમલ ભટ્ટ રદ થયેલી નોટના જથ્થા સાથે રાજકોટ આવ્યો હતો. બંને શખ્સો ગ્રાહક શોધે તે પૂર્વે ઝડપાઇ ગયા હતા. રદ થયેલી નોટનો મોટો જથ્થો કમલ પાસે ક્યાંથી આવ્યો, રાજકોટમાં કોણ બદલી આપવાના હતા, અત્યાર સુધી કમલે રદ થયેલી નોટ ક્યાં છુપાવી હતી, સહિતના મુદ્દે તપાસ ચાલુ હોવાનું કહી જેસીપી ભટ્ટે કોઇ વિશેષ વિગતો આપી નહોતી. બીજીબાજુ કરોડોની રદ થયેલી નોટ સાથે બે શખ્સ ઝડપાયા અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાતા ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બીજીબાજુ જેની પાસેથી રદ થયેલી લાખો રૂપિયાની નોટો ઉઘરાવી હતી તેમણે બદલાની રકમની ઉઘરાણી શરૂ કરતાં કમલ ભટ્ટ જુદા-જુદા બહાના આપતો હતો અને પોતાની પાસેની રૂ.૧.૬૯ કરોડની રદ થયેલી રૂ.૫૦૦-૧૦૦૦ના દરની નોટ રાજકોટમાં અશોકના ઘરે કટકે-કટકે મૂકી ગયો હતો. સુથારીકામ કરતાં રાજકોટના અશોક છાંયાએ રદ થયેલી નોટો સ્વીકારતા કોઇ શખ્સની શોધખોળ શરૂ કરી હતી અને રદ થયેલી નોટોના બંડલ લોકોને બતાવી ગ્રાહકની શોધખોળ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Latest Stories