/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/cvc.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૪માં છેલ્લા ૧૫ દિવસથી ગટર અને રોડના કામને લઇને આડેધડ ખોદકામ કરી કાચબાની ગતિએ કામ થતાં રહિશો તથા ખુદ સત્તાપક્ષના કોર્પોરેટરોએ પાલિકા સામે ઝડપી કામ થાય તે માટે બાયો ચઢાવી છે.
પ્રાંતિજ વોર્ડ નં. ૪ના બારકોટ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તથા ગટરના કામને લઇને બે ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામને કારણે ગટર તથા પીવાના પાણીની લાઇન તૂટતાં બન્ને પાણી મીક્સ થતાં સ્થાનિકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. તો બીજી તરફ પીવાના પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિએ કામ થતાં આ વિસ્તારના રહીશો તોબા પોકારી ઉઠયા છે. સાઇકલ તો શું અહીંથી ચાલતા નિકળવું પણ મુશ્કેલ બન્યું છે.
બારકોટ વિસ્તારના કોર્પોરેટર રાજેશ ટેકવાણીએ સમસ્યાને લઇને જાતે રજુઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા ઠાગાઠૈયા થતું હોય તેવું જણાઈ આવે છે. હદ તો ત્યારે થઇ કે આ વિસ્તારના મહિલા કોર્પોરેટરના પતિ દિલીપ ભોઇએ એટલે સુધી કીધું કે મારા પત્ની પાલિકામાં કોર્પોરેટર છે અને જિલ્લામાં મંત્રી પણ છે, પરંતુ કોર્પોરેટર તરીકે પોતે પણ અનેક વાર રજુઆતો કરી છે, તેમ છતાં અમારૂ પણ આ પાલિકામાં સાંભળવામાં નથી આવતું, તો અન્ય લોકોનું શું સાંભાળશે..! રહીશો અને ખુદ કોર્પોરેટરોની રજુઆતો બાદ પણ પાલિકા દ્વારા કામને લઇને ઝડપી વેગ આપવામાં આવશે કે કેમ તે હવે આવનારો સમય જ બતાવશે.