સુરત : બે બુટલેગરોની લડાઇમાં રસ્તે ચાલતા યુવાનને ગોળી વાગતાં મોત

સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા જોળવા ખાતે બે બુટલેગરો વચ્ચેની લડાઇમાં થયેલા ફાયરીંગમાં રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા યુવાનને છાતીના ભાગે ગોળી વાગી જતાં તેનું મોત થયું હતું.
નશાના કારોબારમાં વર્ચસ્વ જમાવવા માટે બે બુટલેગરો વચ્ચે થયેલા ગેંગવોરમાં નિર્દોષ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા જોળવા ખાતે બે દિવસ પહેલા બુટલેગરો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી .મોહન પરષોત્તમ પરીડા અને બન્નો માલિયો નામના ઓરીસ્સાવાસીઓ દારૂનો ધંધો કરે છે. દારૂના વેચાણ બાબતે થયેલા સામાન્ય ઝગડાની રીસ રાખી બન્નો માલિયાએ સુરત થી ૧૦ જેટલા ભાડુતી માણસો બોલાવી મોહન પરીડા પર હુમલો કરાવ્યો હતો.
બન્નો માલિયા અને તેના સાગરિતોએ 7 થી 8 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં મોહન પરીડાને ત્રણ ગોળી વાગી હતી. જયારે તે સમયે રોડ પરથી પોતાના ત્રણ મિત્રો સાથે પસાર થતા રોશન રાઠોડ નામના હળપતિ યુવાન ને છાતી ના ભાગે ગોળી વાગી હતી. બે બુટલેગરો વચ્ચે થયેલા ગેંગવોરના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છાતીના ભાગે ગોળી વાગતા ઘવાયેલા રોશન રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બુટલેગર મોહન પીરડા સહિત બે લોકો હજી સારવાર હેઠળ છે. ઘટનાને લઇ જીલ્લા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.