ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) બેઠકમાં માછીમારોના હિતને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આવેલા શિયાળબેટ ટાપુ પર એક નવું અને આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર એટલે કે ‘ફિશ લેન્ડિંગ સેન્ટર’ બનાવવાની સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી રાજ્ય સરકારે પૂરી કરી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાઓ સાથેનું ફિશ લેન્ડિંગ સેન્ટર વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
પ્રવક્તા મંત્રીએ વિગતો આપતા કહ્યું કે, અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે જમીન માર્ગથી જોડાયેલો નથી. આ ટાપુની કુલ વસ્તી 2,680 જેટલી છે, જેમાંથી 1,100 થી પણ વધુ લોકો સક્રિય રીતે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંના માછીમારો પાસે 154 જેટલી બોટ છે અને દર વર્ષે લગભગ 4,611 ટન જેટલું મબલખ મત્સ્ય ઉત્પાદન થાય છે.
જમીન માર્ગે ન જોડાયેલા હોવાના કારણે અહીંના માછીમારો અન્ય બંદરોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નહોતા. તેમને ફરજિયાતપણે ટાપુની આસપાસ જ પોતાની બોટ પાર્ક કરવી પડતી હતી. આ ટાપુના લોકો માટે માછીમારી એ જ આવક અને ભરણપોષણનો એકમાત્ર વ્યવસાય છે. તેથી, તેમના માટે એક સુરક્ષિત અને સુવિધાયુક્ત ફિશ લેન્ડિંગ સેન્ટરની તાતી જરૂરિયાત હતી. રાજ્ય સરકારે તેમની આ જરૂરિયાતને પારખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
શિયાળબેટ ખાતે બનનારા આ નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ પ્રોજેક્ટમાં ઘણી આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટાપુ પર પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોક સર્ફેસ અને ઇલેક્ટ્રિકલ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આ તમામ સુવિધાઓ ઉભી થવાથી માછલીનું હેન્ડલિંગ, તેનો સંગ્રહ, હરાજીની પ્રક્રિયા, માછલીઓને બગડતી અટકાવવા માટેનું સંરક્ષણ અને પરિવહનની બધી જ વ્યવસ્થાઓ હવે માછીમારોને એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.
