પશ્ચિમ કચ્છ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માધાપરના નવાવાસ વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ સોસાયટીના એક બંધ કમ્પાઉન્ડવાળા પ્લોટમાં દરોડો પાડીને આ ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

​ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિક દ્વારા સૂચનાઓ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. રવિયા અને તેમની ટીમે બાતમીના આધારે આ સફળ રેઈડ કરી હતી.

​આ દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૩૧૧ પેટી (આશરે ૮,૩૪૩ બોટલ), જેની કિંમત રૂ. ૩૨,૬૩,૦૧૨ થાય છે, તે જપ્ત કરી છે. આ ઉપરાંત ૭ વાહનો, ૯ મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૭૪,૧૩,૬૮૮/- નો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

​આ પ્રકરણમાં પોલીસે સ્થળ પરથી ૪ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હરીશકુમાર શ્યામવિરસિંહ જાટ (રહે. સાદાબાદ, હાથરસ, ઉત્તર-પ્રદેશ) હરદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા (રહે. નવાવાસ, માધાપર, ભુજ) વિશ્વરાજસિંહ ભીખુભા જાડેજા (રહે. જુનાવાસ, માધાપર, ભુજ)અનિલસિંહ લઘુભા જાડેજા (રહે. દરસડી, માંડવીની ધરપકડ કરવામાં આવી છે.

​જ્યારે દારૂના આ મોટા નેટવર્કમાં સંડોવાયેલા કુલદીપસિંહ નટુભા વાઘેલા સહિત અન્ય ૧૬ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.