ગુજરાતમાં દિવાળીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે હવે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જ્યારે અમદાવાદમાં ગુરુવાર સાંજથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. શહેરના એસ.જી. હાઇવે વિસ્તારમાં હળવો વરસાદ પણ નોંધાયો હતો. બીજી તરફ, હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડીનો અનુભવ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાનની આ સ્થિતિને પગલે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે લઘુત્તમ તાપમાનમાં હાલ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.હવામાન વિભાગના બુલેટિન મુજબ, અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા ‘અર્નબ’ના અવશેષરૂપે સર્જાયેલું ડિપ્રેશન છત્તીસગઢ અને ઓડિશાના આસપાસના વિસ્તારોમાં સક્રિય હતું. 29 ઓક્ટોબરની સવારે આ સિસ્ટમ મધ્ય છત્તીસગઢ અને નજીકના ઓડિશા વિસ્તારમાં કેન્દ્રિત હતી. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધીને નબળી પડવાની અને ઉત્તર છત્તીસગઢ તથા ઉત્તર-પશ્ચિમ ઓડિશા આસપાસ નોંધપાત્ર લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાવાની શક્યતા હતી. આ ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ યથાવત્ છે. આ તમામ હવામાન પ્રણાલીઓ વચ્ચે ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
દિવાળીએ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
