ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન યુવા સંવાદ, ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી, દીપોત્સવ, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, દેશી ગ્રામીણ રમતો અને આદિજાતિ મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. 15 નવેમ્બરે નેત્રંગના સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જ્યારે 16 નવેમ્બરે ઝઘડિયા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને 18 નવેમ્બરે આદિજાતિ મહિલા સંમેલન યોજાશે.

બેઠકમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમોની વ્યવસ્થા અને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી હતી.