જનસેવા એ જ પ્રભુસેવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબહેન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ, હાંસોટ દ્વારા ઈલાવ ગામે નિઃશુલ્ક સર્વરોગ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પનું આયોજન આગામી તા. 3 નવેમ્બર, 2026, મંગળવારના રોજ બપોરે 2:00થી 5:00 કલાક દરમિયાન ઈલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવશે.કેમ્પમાં કાકા-બા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓની લોહીની મફત તપાસ કરવામાં આવશે. દાંતની વિવિધ સમસ્યાઓ માટે પણ વિશેષ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં દાંતમાં ચાંદી પૂરવી, રૂટ કેનલ ટ્રીટમેન્ટ (RCT), દાંતનાં ચોકઠાં બનાવવા, દાંતની સફાઈ (સ્કેલિંગ) તેમજ હલતા દાંત મફત કાઢી આપવાની સેવાઓનો સમાવેશ થાય છે.
ફિક્સ દાંત બનાવવાની સારવાર રાહતદરે કરવામાં આવશે.આ ઉપરાંત ઓપરેશનની જરૂરિયાત ધરાવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને કાકા-બા હોસ્પિટલ ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે, જ્યારે અન્ય દર્દીઓને રાહતદરે ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે.આરોગ્ય સેવાઓથી વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી નિષ્ણાત તબીબી સેવાઓ પહોંચાડવાના હેતુથી યોજાનારા આ કેમ્પમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની નોંધણી કે ફી રાખવામાં આવી નથી.આથી ઈલાવ ગામ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા કાકા-બા હોસ્પિટલ, હાંસોટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

