ભાવનગરની જિલ્લા જેલમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જૂની બેરકમાંથી એક શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ભાવનગર જિલ્લા જેલમાં સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગ દરમિયાન જૂની બેરક નંબર 2 માં આવેલા જનરલ ટોયલેટ-બાથરૂમના દરવાજાની અંદર કુશળતાપૂર્વક છુપાવવામાં આવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી મોબાઇલ મળી આવતા જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફાળ પડી છે.

આ ઘટના અંગે જેલ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોનમાંથી કોઈ ડેટા કે કોલ ડિટેલ્સ મેળવી શકાય તે માટે તેને એફ.એસ.એલ. ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં આ મોબાઈલ જેલની અંદર પહોંચ્યો કેવી રીતે? શું આમાં જેલમાં બંધ કોઈ કેદીની કારસ્તાની છે કે પછી જેલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે? પોલીસ હાલ આ તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.