ભરૂચના ઝાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ આપતી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ૧૧૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે બનાસકાંઠાના નડાબેટ ખાતે આવેલા BSF કેમ્પસની મુલાકાત લઈ દેશની સરહદોની રક્ષા કરતા વીર જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા જવાનોને મીઠાઈ, અખંડ તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

BSFના જવાનોએ વિદ્યાર્થીઓને સરહદની સુરક્ષા, સૈનિક જીવન, દેશસેવા, શિસ્ત અને સમર્પણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી તેમના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રપ્રેમને નજીકથી જાણવાનો અવસર મેળવ્યો હતો.આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રવાસ નહીં, પરંતુ જીવનભર યાદ રહી જાય એવો દેશભક્તિનો અનુભવ બની રહી હતી.