-
પલસાણાના ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારની ઘટના
-
એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજના કારણે થયો હતો ભીષણ વિસ્ફોટ
-
ગેસ લીકેજથી થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 3 લોકોના કરૂણ મોત
-
દુર્ઘટનામાં ઘરમાલિક-પાડોશી મહિલા-માસૂમે જીવ ગુમાવ્યો
-
રૂમમાં હવા-ઉજાસ માટેની કોઈ વ્યવસ્થા ન હતી : સ્થાનિક
સુરત શહેરના પલસાણા તાલુકાના ચલથાણ ગામની ખુમાનસિંહ વાડી વિસ્તારના એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજના કારણે થયેલા ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પલસાણા તાલુકાના ચલથાણ ગામની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા ગત તા. 17 એપ્રિલે સવારે રસોઈ બનાવ્યા બાદ ભૂલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે બંધ ઘર ‘ગેસ ચેમ્બર‘માં ફેરવાઈ ગયું હતું.
સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતી દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાના બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને એક 4 વર્ષીય બાળક અનુજ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યાં હતા. સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર, આ એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં હવા-ઉજાસની કોઈ જ વ્યવસ્થા ન હતી. રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો હતો.
