ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા મત ગણતરીમાં આગળ રહેતા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ હાર સ્વીકારી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સાંસદ કોણ બનશે અને દેશમાં કોની સરકાર બનશે તેનો આજે ફેંસલો થઈ જશે. દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શરૂઆતી વલણમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થતા વલસાડ, ભરૂચ, નવસારી અને બારડોલી બેઠક પરના ઉમેદવારોના ભાવિ આજે નક્કી થવાનું છે. ભરૂચ જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું.

આજે 4 જૂનના રોજ સરકારી કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી યોજાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન-આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવામાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થયું હતું.

જોકે, ભાજપના ઉમેદવાર રાઉન્ડ બાય રાઉન્ડ આગળ રહેતા ઈન્ડિયા ગઠબંધન અને આપના ઉમેદવાર ચૈતર વસાવાએ હાર સ્વીકારી પ્રતિક્રિયા આપી હતી. ચૈતર વસાવાએ જણાવાયું હતું કે, હજુ ઉંમર નાની છે, અને ઘણું શીખવાનું છે, ત્યારે હવે વધુ મજબૂત થઈ આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીશું, અને જીત મેળવીને રહીશું.