ભરૂચ ખાણ અને ખનિજ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB, ભરૂચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી ખજાનાને કુલ રૂપિયા 1.17 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામ ખાતે નવા સર્વે નંબર 11 હેઠળની જમીનમાં ખનિજ ખનનની પરવાનગી મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પરવાનગીમાં દર્શાવેલ વિસ્તાર અને વાસ્તવિક ખનન સ્થળ વચ્ચે ભારે તફાવત હતો.આ કેસમાં આરોપી તરીકે નરેશભાઈ માધવજી જાની-ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-1,અશોકભાઈ લાલજીભાઈ કોટડિયા-સર્વેયર, વર્ગ-3,ભાવેશભાઈ રમણભાઈ પરમાર માઇન્સ સુપરવાઇઝર સામે ગુનો દાખલ કરાયો છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ખોટા માપદંડો તૈયાર કરી અને ખનન માટે જરૂરી નિયમો તથા શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગેરરીતિઓના કારણે સરકારને મોટા પ્રમાણમાં રોયલ્ટી અને દંડની રકમનો નુકસાન થયો હતો.ACB દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓએ ખોટી રીતે રેકોર્ડ તૈયાર કરી પરવાનગી મેળવી અને નિયમો વિરુદ્ધ ખનન પ્રવૃત્તિઓ ચલાવી. આથી સરકારને આશરે રૂ. 1.17 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.હાલ એસીબીએ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
