• ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ

  • બ્રિજની સ્થાપનાને 145 વર્ષ પૂર્ણ

  • બ્રિજને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માંગ

  • 16 મે 1881માં બ્રિજની કામગીરી થઈ હતી પૂર્ણ

  • બ્રિજ હાલ વાહન વ્યવહાર માટે બંધ

ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતો અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવાયેલો આ પોલાદનો પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન નહોતો, પરંતુ ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતિક માનવામાં આવે છે.
અંગ્રેજ ઈજનેર સર જોન હોક્શોની ડિઝાઈન મુજબ 7 ડિસેમ્બર 1877ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો. આશરે રૂ. 45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો પોલાદનો પુલ તે સમયની અદભૂત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે. નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઉભો રહ્યો હતો. હેરિટેજ કેટેગરીમાં સમાવાયેલ ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં તેની જર્જરીત હાલત અને સુરક્ષા કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
જોકે પુલ બંધ થયા બાદ એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતા નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે.145મી વર્ષગાંઠના પ્રસંગે ભરૂચના જાગૃત નાગરિક અને શિક્ષક દિગ્વિજયસિંહ ઝાલાએ  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “નર્મદા પર સોનાની કિંમતમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના સ્વાભિમાન તરીકે ઉભો છે.
સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે, ગોલ્ડન બ્રિજને માત્ર એક જૂનો પુલ નહીં પરંતુ ભરૂચની ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની જરૂર છે. આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે.