ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સફળ કાર્યવાહી હાથ ધરી ડુંગળીની ઘુણોના કવરિંગ નીચે સંતાડીને લઈ જવાતો રૂ. 9.60 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બોલેરો પિકઅપ, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12.66 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચ એલસીબી ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર નંબરની બોલેરો પિકઅપમાં ડુંગળીના ઘુણોના કવરિંગમાં વિદેશી દારૂ ભરી સુરત તરફથી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતાં પાછળના ભાગમાં ડુંગળીના ઘુણોની નીચે સંતાડેલા વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે વાહનચાલક અકલાખ અઝીઝ શેખ રહે. દેવલ ફળિયા, નવાપુર, જી. નંદુરબારની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ રાજુભાઈ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચેથી વાહન મેળવી વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા સેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવા જતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.