મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ગઈકાલના હાઇવોલ્ટેજ ડ્રામા અને મોડી રાત સુધી ચાલેલા ધરણાં બાદ, આજે પણ દિલ્હીમાં વિપક્ષી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પગપાળા જંતર મંતર જવા પર વિવાદ સર્જાયો છે અને જંતર-મંતર તરફ વિપક્ષની પેદલ માર્ચ શરૂ થતાં જ વાતાવરણ તંગ બની ગયું છે. વિપક્ષી સાંસદો જંતર-મંતર તરફ કૂચ કરવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે ચારેય તરફ નાકાબંધી કરીને રસ્તા સીલ કરી દીધા છે.

દરમિયાન, કૂચ કરી રહેલા રાહુલ ગાંધી સહિતના નેતાઓને જંતર-મંતરથી માત્ર 100 મીટર દૂર જ પોલીસે અટકાવી દીધા હતા. ત્યાં વિપક્ષી નેતાઓ-કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જંતર-મંતર નજીક રાહુલ ગાંધીને અટકાવવામાં આવતા વિપક્ષી નેતાઓ, સાંસદો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. જોકે જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે વિપક્ષ મક્કમ છે.

જંતર-મંતર તરફ આગળ વધતા રાહુલ ગાંધીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું, ગઈકાલે અમે ચૂંટણી પંચને મળવા માંગતા હતા, પણ તેઓ મળ્યા નહીં અને પોલીસે અમને અટકાવ્યા. પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે લોકશાહીને નબળી પાડી છે. સીઈસી જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે. મારી સામે પહેલેથી જ 45 જેટલી FIR છે. મારો ટાર્ગેટ 100 FIRનો છે અને આ તમામ FIR મારા માટે સન્માનના મેડલ સમાન છે. અમે ડરવાના નથી.