ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં SIR’ની કામગીરી પૂર્ણ

બાકી અને નવા પાત્ર મતદારોની નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાય

જિલ્લાનો એક પણ પાત્ર નાગરિક વંચિત ન રહે તેવી અપીલ

નોંધણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 4 દિવસ નક્કી કરાયા

મતદાન મથક પર હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે

ભરૂચ જિલ્લામાં લોકશાહીના અભિયાનમાં બાકી રહેલા અને નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે જિલ્લાનો એક પણ પાત્ર નાગરિક વંચિત ન રહે તેવી જિલ્લા ચૂંટણી અધિકારી ડો. નવનાથ ગવ્હાણે દ્વારા  અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેએ ભરૂચ જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ થયા બાદ, સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા નાગરિકો અને 18-19 વર્ષના યુવા તેમજ પ્રથમ વખતનાં પાત્ર મતદારો માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. 11મી ઓક્ટોબર 2026, 18 મી ઓક્ટોબર 2026, 25મી ઓક્ટોબર 2026 અને 1 નવેમ્બર 2026ના રોજ વિશેષ દિવસોમાં આ ઝુંબેશ યોજાશે. આ તારીખોએ બૂથ લેવલ અધિકારીઓ (BLOS) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથક પર ઉપસ્થિત રહી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

નામ નોંધાવવાથી બાકી રહેલા કે, પ્રથમ વખત પાત્ર બનેલા નાગરિકોએ જરૂરી પુરાવા સાથે પોતાના નજીકના મતદાન મથકે રૂબરૂ હાજર રહી અરજી કરવાની રહેશે. આ ખાસ ઝુંબેશ હેઠળ નામ નોંધણી માટે કોઈપણ પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં, ત્યારે લોકશાહીના આ અભિયાનમાં ભરૂચ જિલ્લાનો એક પણ પાત્ર નાગરિક વંચિત ન રહે, તે માટે ઉપરોક્ત સંદેશ જન-જન સુધી પહોંચાડવા જિલ્લા કલેક્ટરએ અપીલ કરી હતી.