નવરાત્રીને ગણતરીના દિવસો બાકી
ફાયર મંજૂરી મેળવવામાં ઘોર ઉદાસીનતા
શહેરના 20થી વધુ પ્રોફેશનલ ગરબાનું આયોજન
માત્ર બે જ આયોજકોએ આપ્યું બાંહેધરી પત્ર
આયોજકોની લાખોની કમાણી પરંતુ સુરક્ષા શૂન્ય
સુરતમાં આગામી રવિવારથી આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ધામધૂમથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.પરંતુ, હજારો ખેલૈયાઓની સુરક્ષા અને સલામતીને લઈને આયોજકોની મોટી બેદરકારી સામે આવી છે.
સુરતમાં આગામી રવિવારથી આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ધામધૂમથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.પરંતુ, હજારો ખેલૈયાઓની સુરક્ષા અને સલામતીને લઈને આયોજકોની મોટી બેદરકારી સામે આવી છે. તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવા છતાં ફાયર સેફ્ટીની મંજૂરી લેવામાં આયોજકો ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે.
આ વર્ષે વરાછા, અડાજણ, વેસુ અને કતારગામ જેવા પોશ વિસ્તારોમાં 20થી વધુ મોટા પ્રોફેશનલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ મહિનાઓ પહેલાથી પાસ અને જાહેરાતો થકી લાખો-કરોડો રૂપિયાની કમાણી તો કરી લીધી છે, પરંતુ જ્યારે ખેલૈયાઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે શહેરના 16 આયોજનોને ફાયર NOC આપવામાં આવી હતી, જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી માત્ર બે જ આયોજકોએ ફાયર વિભાગ સમક્ષ બાંહેધરી પત્રક રજૂ કર્યું છે.
સ્થિતિની ગંભીરતા જોતા સુરત ફાયર વિભાગે 30 જેટલી કડક શરતો સાથેની સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. નવી ગાઇડલાઇન મુજબ, 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલ માટે ઉપસ્થિત લોકોનો રેકોર્ડ રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્ય મંડપ કે સ્ટેજ મુખ્ય રોડથી 45 મીટરથી વધુ દૂર ન હોવું જોઈએ અને પંડાલમાં વ્યક્તિત્તવ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રાખવી અનિવાર્ય રહેશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ તૈયારીઓ વિના જ અરજી કરવાથી મંજૂરી રદ્દ થવાનો ડર હોવાથી આયોજકો છેલ્લી ઘડી સુધી દોડધામ કરશે. જોકે, ફાયર વિભાગે પણ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો ફાયરના તમામ નિયમોનું અક્ષરશઃ પાલન કરવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં ગરબા આયોજનની મંજૂરી આપવામાં આવશે નહીં.
