પહાડો અને ગાઢ જંગલો વચ્ચે સ્વચ્છતાનું મોડેલ

આદિવાસી પરિવારોએ આપ્યું સ્વચ્છતાનું સર્વશ્રેષ્ઠ મોડેલ

ડાંગ જિલ્લાએ ‘ટ્વિન-પિટ’ પદ્ધતિથી રચ્યો નવો ઈતિહાસ

ગટર લાઈન વગર પણ સ્વચ્છતા સુપરહીટ

આદિવાસીઓએ વૈજ્ઞાનિક અભિગમથી ગજવ્યું દેશનું નામ

ગાઢ જંગલો અને પહાડી ભૂગોળ ધરાવતા ડાંગ જિલ્લાએ ‘ટ્વિન-પિટ’ (બે ખાડાવાળી) શૌચાલય પદ્ધતિ દ્વારા દેશ સમક્ષ સ્વચ્છતાનું સર્વશ્રેષ્ઠ મોડેલ રજૂ કર્યું છે. ભૌગોલિક પ્રતિકૂળતાઓના કારણે જ્યાં પરંપરાગત ગટર લાઈનો નાખવી અશક્ય હતી, ત્યાં સ્થાનિક આદિવાસી પરિવારોએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આ પડકારને ઝીલી લીધો છે.

દક્ષિણ ગુજરાતના સરહદી પટ્ટા પર આવેલા ડાંગ જિલ્લાના 310 ગામડા અડાબીડ વનરાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વિખરાયેલા છે. આવા કઠિન ભૂપ્રદેશમાં પરંપરાગત કચરા અને ડ્રેનેજ વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે ‘જિલ્લા જળ અને સ્વચ્છતા મિશને’ સ્થાનિકોના સહયોગથી ‘ટ્વિન-પિટ’ ટેકનોલોજી અમલમાં મૂકી. વઘઇના ઉગાછીછપાડા ગામમાં આ વ્યવસ્થા શરૂ થતાં જ ગંદકી ગાયબ થઈ ગઈ અને ગ્રામજનોને અગવડતાઓમાંથી મુક્તિ મળી છે.

આ સરળ ટેકનોલોજી અંતર્ગત શૌચાલયના બે ખાડામાંથી એક સમયે એક જ ખાડાનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાડો ભરાઈ જતાં જ પ્રવાહ બીજા ખાડા તરફ વાળી દેવાય છે અને બંધ રહેલો કચરો એક-બે વર્ષમાં કુદરતી વિઘટન દ્વારા ઉત્તમ સેન્દ્રીય ખાતરમાં ફેરવાઈ જાય છે. હિંસક પશુઓ અને ઝેરી જીવજંતુઓના ભયને કારણે આંબાપાડા જેવા વનવાસી વિસ્તારોમાં અગાઉ રાત્રિના સમયે બહાર જવામાં મોટું જોખમ રહેતું હતું, જેનો હવે અંત આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નવા બનેલા મકાનોનો સચોટ સર્વે કરી, સિટિઝન પોર્ટલ દ્વારા સહાય સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડાઈ રહી છે.

વર્ષ 2014થી શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 51 હજારથી વધુ ટ્વિન-પિટ શૌચાલયોનું સફળ નિર્માણ થયું છે, જેનો સીધો લાભ 48 હજારથી વધુ પરિવારોને મળ્યો છે. સામૂહિક સંકલ્પ અને વહીવટી સજ્જતાના કારણે ડાંગ આજે સમગ્ર હિન્દુસ્તાન માટે એક અનુકરણીય દૃષ્ટાંત બન્યું છે. પ્રકૃતિના ખોળે વસેલા આ જિલ્લાની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું આયોજન પાયાના સ્તરે મોટું પરિવર્તન લાવી શકે છે.