ભરૂચ જિલ્લાના વાલિયા પંથકના સિલુડી ગામ પ્રથમ વરસાદમાં જ બેટમાં ફેરવાઈ ગયું છે.કોતરના પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.
ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સિલુડી ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાંથી પસાર થતા કોતરના પાણી અચાનક 10થી વધુ ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. પૂરની સ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોને પોતાની ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નથી.
વાલિયાના સિલુડી ગામમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાનના અહેવાલ છે. પૂરના પાણીના પ્રવાહને કારણે ગામના એક મકાનમાં ભુવો પડ્યો હતો.સૌથી મોટી દુર્ઘટના ગામના સ્કૂલ ફળિયામાં ઘટી, જ્યાં ભારે વરસાદના કારણે બે મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, સદનસીબે પરિવારની સતર્કતાના કારણે દિવ્યાંગ વૃદ્ધા સહિત પરિવારના સાત લોકોનો આબાદ બચાવ થયો છે.
આ આફતની જાણ થતાં જ સિલુડી ગામના તલાટી હાર્દિક વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની ટીમનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને પૂરના પાણીમાં ફસાયેલા આશરે 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે ગામની સરકારી શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. હાલમાં આ તમામ અસરગ્રસ્તો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાય અને મદદની માંગ કરી રહ્યા છે.
