ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સ્પીડ અને સુવિધા માટે જાણીતા આ એક્સપ્રેસ-વે પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર હાઈટેન્શન લાઈનની કામગીરી દરમિયાન તંત્રની ઓચિંતી બેદરકારીથી ભારે હોબાળો મચી ગયો હતો. કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ અચાનક એક્સપ્રેસ-વે પર વાયર મૂકીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરિણામે, જોતજોતામાં હાઈવે પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી.
સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત-નવસારી તરફ ઝડપથી પહોંચવા અને સિટીના ટ્રાફિકથી બચવા માટે રોજના હજારો લોકો આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ કરે છે. પરંતુ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા મુસાફરોએ સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધો હતો અને ત્યાં ભારે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોનો આક્ષેપ છે કે, જો અગાઉથી સૂચના આપી હોત અથવા વૈકલ્પિક રસ્તો આપ્યો હોત તો આ નોબત આવી નહોત. મહત્વની વાત તો એ છે કે, એક તરફ ચોમાસા બાદ એક્સપ્રેસ-વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ તોબા પોકારી ગયા છે, ત્યાં હવે આ પ્રકારની આયોજન વગરની કામગીરીએ લોકોની મુશ્કેલી ડબલ કરી દીધી છે.
આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતું તંત્ર આટલી બેદરકાર કેમ છે? આટલી મહત્વની કામગીરી કોઈપણ પૂર્વ આયોજન કે જાહેર સૂચના વિના કેમ કરવામાં આવી? શું આ એક્સપ્રેસ-વે ખરેખર લોકોનો સમય બચાવવા માટે બનાવવામાં આવ્યો છે કે પછી તેમનો કિંમતી સમય બગાડવા માટે?
