જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કેશોદ-માંગરોળ NH-51 બંધ કરાયો છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના લીધે કેશોદ-માંગરોળ વચ્ચેનો નેશનલ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે મેંદરડા અને માણાવદરમાં પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.
કેશોદ અને માંગરોળ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નેશનલ હાઈવે-51 પર હુસૈનાબાદ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના તીવ્ર પ્રવાહને લીધે હાઈવેના રોડને ભારે નુકસાન પહોંચ્યું હતું. જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને આ માર્ગ પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. સોમનાથથી દ્વારકા તરફ જતા વાહનચાલકોને નેશનલ હાઈવે-151 અને નેશનલ હાઇવે-27 (સોમનાથ – જેતપુર – પોરબંદર – દ્વારકા રૂટ) નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. સોમનાથથી દ્વારકા જતા વાહનચાલકોને સોમનાથ-જેતપુર – પોરબંદર – દ્વારકા રૂટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
