ચોમાસાએ હવે દેશભરમાં ફરી એકવાર જોર પકડ્યું છે. કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને હવે મોટી રાહત મળવાની છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 4 થી 5 દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક ‘લો-પ્રેશર સિસ્ટમ’ (નીચા દબાણનો વિસ્તાર) સર્જાઈ છે, જે આગામી 3 દિવસમાં ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ આગળ વધશે. આ સિસ્ટમની અસરથી મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે.

દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર એ છે કે 4 થી 7 જુલાઈ સુધી વાતાવરણ એકદમ ખુશનુમા બની જશે. 4 જુલાઈએ બપોર પછી 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 5 જુલાઈએ પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે (મહત્તમ 32 થી 34 ડિગ્રી, લઘુત્તમ 27 થી 29 ડિગ્રી). ત્યારબાદ 6 અને 7 જુલાઈએ પણ હળવા વરસાદને કારણે દિલ્હીમાં તાપમાન ગગડીને 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, જેથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

ઉત્તર પ્રદેશના હવામાનમાં પણ મોટો પલટો આવશે. પશ્ચિમ યુપીમાં 4 થી 7 જુલાઈ અને પૂર્વ યુપીમાં 4 થી 6 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, અસલી મેઘતાંડવ 8 થી 10 જુલાઈ વચ્ચે પૂર્વ યુપીમાં અને 9 થી 10 જુલાઈએ પશ્ચિમ યુપીના અનેક વિસ્તારોમાં જોવા મળશે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે ગાજવીજ અને વીજળી ચમકતી વખતે ખુલ્લા ખેતરો, મોટાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું.