રાજ્યભરમાં ચાલી રહેલા જોબચાર્ટના વિવાદ વચ્ચે ભરૂચ જિલ્લાના 385 તલાટી કમ મંત્રીઓએ તા. 3 જુલાઈથી તમામ વધારાની કામગીરી બંધ રાખવાના નિર્ણય સાથે નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓમાં મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.
રાજ્યભરમાં ચાલી રહેલા જોબચાર્ટના વિવાદ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તલાટી કમ મંત્રી મંડળે મહત્વનો નિર્ણય લઈ મહેસુલી સહિત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહ્વાનના અનુસંધાને ભરૂચ જિલ્લાના 385 તલાટી કમ મંત્રીઓએ તા. 3 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસુલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ પણ સતત સોંપવામાં આવી રહી છે. સ્પષ્ટ જોબચાર્ટના અભાવે કામનો બોજો વધતો જઈ રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2022માં તલાટીઓની હડતાલ બાદ તલાટી અને મહેસુલી તલાટીની કામગીરી અલગ કરવા રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય બાદ પણ સમિતિના નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં મહેસુલી તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં બંનેની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓના તલાટી કમ મંત્રીઓએ મામલતદારોને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.
